ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે તેના સુવર્ણકાળ તરફ આગળ વધી રહી છે. દર્શકોને કંઈક નવું પીરસવા માટે મેકર્સ હવે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. તાજેતરમાં જ બે મોટી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક તરફ ‘ડમરુ’ સાથે હાસ્યની રથયાત્રા નીકળશે, તો બીજી તરફ ગુજરાતી સિનેમાની પ્રથમ ‘ક્રિએચર કોમેડી’ ફિલ્મ ‘એ… આ’યું!!!’ દર્શકોને રોમાંચિત કરવા આવી રહી છે.
ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુધી આપણે પારિવારિક ડ્રામા અને કોમેડી ફિલ્મો જોઈ છે, પરંતુ હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ અને સ્કાયનાઉ ફિલ્મ્સ કંઈક હટકે લઈને આવી રહ્યા છે. ગુજરાતની સૌપ્રથમ ‘ક્રિએચર કોમેડી’ ફિલ્મ “એ… આ’યું!!!”ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં માત્ર કોમેડી જ નહીં, પણ એક્શન, રોમાન્સ, થ્રિલ અને ભરપૂર ઈમોશન્સનો તડકો જોવા મળશે. ગુજરાતી પડદા પર ‘ક્રિએચર’ આધારિત કોમેડી જોવી એ દર્શકો માટે એક નવો અનુભવ હશે. ફિલ્મનું પહેલું એનાઉન્સમેન્ટ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને ફિલ્મ આ વર્ષે નવેમ્બર મહિનામાં મોટા પડદે રિલીઝ થશે.