સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી અદાલત ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)એ ગુરુવારે મ્યાનમારને રોહિંગ્યા મુસ્લિમોના નરસંહાર માટે દોષિત ઠેરવ્યું.
આ મામલો 2017માં મ્યાનમારમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે. તે દરમિયાન લગભગ 10 હજાર રોહિંગ્યા મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે લગભગ 7.5 લાખ લોકોને પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને બીજા દેશોમાં શરણ લેવી પડી હતી.
લગભગ 9 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં અદાલતે મ્યાનમારને પીડિતોના નુકસાનની ભરપાઈ કરવા અને તેમને વળતર આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે 9-6ની બહુમતીથી આ ચુકાદો સંભળાવ્યો.
અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, મ્યાનમારની સેનાએ રોહિંગ્યા સમુદાયને નિશાન બનાવીને મોટા પાયે હિંસા કરી. સેનાએ મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર અને યૌન હિંસા કરી. બાળકો અને અહીં સુધી કે નવજાત શિશુઓને પણ બક્ષવામાં આવ્યા નહીં. સેંકડો ગામડાંઓને આગને હવાલે કરી દેવામાં આવ્યાં.
અદાલતના જણાવ્યા મુજબ, આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે હિંસાનો હેતુ રોહિંગ્યા સમુદાયના મોટા હિસ્સાને ખતમ કરવાનો હતો. અદાલતે એમ પણ કહ્યું કે, મ્યાનમાર નરસંહાર માટે જવાબદાર લોકોને સજા કરવામાં નિષ્ફળ રહ્યું.
આ ચુકાદો વધુ એક કારણસર ઐતિહાસિક છે. 1948ના નરસંહાર રોકવા સંબંધિત આંતરરાષ્ટ્રીય કરારના ઉલ્લંઘન માટે પ્રથમ વખત કોઈ દેશને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. આ પહેલાં આ કરાર હેઠળ માત્ર વ્યક્તિઓને જવાબદાર માનવામાં આવતી હતી.