રાજકોટના નિવૃત શાસનાધિકારી સાથે જમીન ખરીદીના નામે થયેલી સવા કરોડની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી સહિત પાંચ લોકો સામે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદીએ દાવો કરતા કહ્યું કે, સ્વામીઓના કહેવાથી મેં જમીન ખરીદવા માટે ખેડૂત સાથે સમજૂતી કરાર કર્યો હતો. જેના બદલામાં ખેડૂતને તેના ઘરે જઈને રૂ. 1.24કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયાની ચૂકવણી કરવામાં આવી તે સમયનો ફરિયાદી દ્વારા ઉતારવામાં આવેલો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદીએ કહ્યું હતું કે, આ ફરિયાદમાં ગંભીર કલમો લગાવવી જોઈતી હતી. પરંતુ, પોલીસે મને રાજી કરવા ફરિયાદ નોંધી હોય તેવું લાગે છે.
ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ લઘરભાઈ વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020ના મે મહિનામા ચિંતનભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે, ડાકોરમા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો આશરે 400 વીઘા જમીનમાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માંગે છે, જો તમારે આ પ્રોજેકટમા રૂપીયાનુ રોકાણ કરવુ હોય તો તમને સારૂ વળતર મળશે તમને આમાં રસ હોય તો હું તમને સંતોની સાથે મુલાકાત કરાવુ.જેથી મે તેઓની પાસે થોડો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ચિંતનનો ફરીવાર ફોન આવ્યો જેથી ડાકોર વાળા મંદિરના પ્રોજેકટમા રૂપિયા રોકાણ કરવાની વાત કરી હતી જેમાં મારી સાથે ભાગીદારમા મારા મિત્ર વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયા પણ સાથે રહેશે તેમ કહ્યું હતું.