રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી-ઉધરસનાં કેસોમાં વધારો સતત યથાવત્ છે. સતત ચોથા સપ્તાહે શરદી ને ઉધરસનાં કેસો 1000ને પાર થયા છે. તેમજ જોખમી ટાઇફોઇડ તાવનાં 5 અને ડેંગ્યુનાં 4 સહિત જુદા-જુદા રોગના મળીને કુલ 2067 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા હાલ શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. તેમજ લોકોને બહારનો ખોરાક નહીં લેવા સહિતની સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2067 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસનાં 1032 કેસ, ઝાડા-ઉલટીનાં 186, સામાન્ય તાવનાં 838કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 5 કેસ પણ લાંબા સમય બાદ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 કેસ નોંધાયા હતા. તેમજ મેલેરિયા અને ચિકનગુનિયાનો 1-1 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ વધુ સતર્ક બન્યો છે. આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. જોકે ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા છે