તાજેતરમાં રાજકોટ આવેલા ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ સાયબર ફ્રોડ એ સૌથી મોટો પડકાર હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો કારણ કે, સાયબર માફિયાઓ રોજબરોજ નવી-નવી મોડેસ ઓપરેન્ડી મારફત લોકો સાથે છેતરપિંડી આચરી લાખો-કરોડો રૂપિયા પડાવી લેતા હોય છે એવામાં રાજકોટમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. જસદણના LIC એજન્ટને ઓનલાઇન KYC અપડેટ કરી દેવાની લાલચ આપી તેનો મોબાઈલ હેક કરી બેન્કમાં રહેલ રૂ.3.70 લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા. આ બનાવ અંગે જાણ થતા LIC એજન્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના જસદણમાં નંદનગર સમાત રોડ પર રહેતા વિજયભાઈ હસમુખભાઈ છાયાણી (ઉ.વ.43)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં અજાણ્યા ફોન નંબર ધારકનું નામ આપતા જણાવ્યું હતું કે, પોતે LIC એજન્ટ છે અને ખેતીકામ કામ કરે છે. ગત તા.03.10.2024ના રોજ બપોરના સમયે 12.30 વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી હિન્દીમાં વાત કરતાં શખસનો ફોન આવ્યો હતો અને પોતે બેંકમાથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું.
આ પછી તેને કહ્યું કે તમારે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ઓનલાઈન KYC કરવાનું છે. જેથી, ફરિયાદીએ પોતે રૂબરૂ જઈ કરાવી નાંખશે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. તેના બે દિવસ બાદ તેમનો ફોન અચાનક હેક થઈ ગયો હતો અને ઇનકમીંગ તથા આઉટ ગોઈંગ કોલ અને મેસેજ બંધ થઈ ગયા હતા તેમજ મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન ઓપન થતી ન હતી. જેથી, તેઓએ તપાસ કરતાં તેમનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોવાનું માલૂમ પડતાં પોતે આધાર નંબર અપડેટ કરાવી ફરી નંબર શરૂ કરાવ્યો હતો.