રાજકોટના જામનગર રોડ પર આવેલા સ્પેશિયલ હોમ ફોર બોયઝના નવા બિલ્ડિંગ માટે રાજ્ય સરકારે રૂ.8.50 કરોડ ફાળવ્યા છે ત્યારે આ હોમમાં વિદ્યાર્થીઓને રાખવાની ક્ષમતા 125 પરથી ઘટાડીને 75 કરી દેવાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. હાલમાં આ સ્પેશિયલ હોમ ફોર બોયઝના નવા બિલ્ડિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડરો ખોલવામાં આવશે.
રાજકોટના સમાજ સુરક્ષા વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જામનગર રોડ પર આવેલું સ્પેશિયલ હોમ ફોર બોયઝનું બિલ્ડિંગ 1957ની સાલનું છે. આ હોમ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને રાખવામાં આવે છે અને તેમાં રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ બિલ્ડિંગમાં 125 બાળકો એકીસાથે રાખી શકાય તે પ્રકારની સુવિધા છે.
નવા બિલ્ડિંગમાં 75 વિદ્યાર્થીઓ રાખી શકાય તે પ્રકારની ક્ષમતા ઉભી કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોર પ્લસ 1 માળના બિલ્ડિંગમાં 75 બાળકોને રહેવા અને જમવાની સુવિધા ઉપરાંત ઇન્ડોર ગેમ, લાઇબ્રેરી સહિતની અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. આ માટે રાજ્ય સરકારે રૂ.8.50 કરોડ ફાળવ્યા છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેનું ટેન્ડર પ્રસિધ્ધ થઇ ગયું છે. આ ટેન્ડર પ્રક્રિયા સંભવત: એકાદ માસમાં પૂર્ણ થઇ ગયા બાદ વર્ક ઓર્ડર આપી દેવાશે અને ત્યારબાદ નવા બિલ્ડિંગના નિર્માણની કામગીરી શરૂ થઇ જશે.