પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મના વિસ્તરણ અને ઊંચાઈ વધારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્લેટફોર્મની લંબાઈમાં 200 મીટરનો વધારો થયો છે. હવે તેની કુલ લંબાઈ 600 મીટર થઈ છે. આ કામગીરી પાછળ અંદાજે રૂ. 3.20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે. મંડળ એન્જિનિયર (પશ્ચિમ) રાજીવ કુમાર સિંહની દેખરેખ પણ રહી છે.
પ્લેટફોર્મની ઊંચાઈ વધવાથી મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવામાં સરળતા રહેશે. લંબાઈ વધવાથી લાંબા કોચવાળી ટ્રેનોના મુસાફરોને પણ વધુ સુવિધા મળશે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ કામગીરીને મુસાફરોની સુવિધા અને બોર્ડિંગ-ડીબોર્ડિંગની સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવી છે.
તેમ છતાં, પ્લેટફોર્મનું કામ પૂર્ણ થયા બાદ હવે સ્ટેશન પર અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. ઉપલેટા પંથકના સ્થાનિક રહીશો, મીડિયા પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, મુસાફર એસોસિએશન, રેલવેના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આ અંગે રજૂઆતો કરાઇ રહી છે.
સ્ટેશન પર કઈ સુવિધાની જરૂર?
સ્થાનિકોની રજૂઆત મુજબ સ્ટેશન પર પૂરતી નવી લાઈટિંગ, શુદ્ધ પીવાનું પાણી, ટ્રેનની માહિતી માટે કોચ ઇન્ડિકેશન સિસ્ટમ, સુરક્ષા માટે CCTV કેમેરા, બેસવા માટે પૂરતા બાકડા, તડકા અને વરસાદથી બચવા શેડની જરૂર છે. મુસાફરોની દૈનિક અવરજવરને ધ્યાનમાં રાખીને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ છે.
કામ થયું, હવે મંજૂર સુવિધાઓ ક્યારે?
સ્થાનિકોનું કહેવું છે કે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ પૂર્ણ થયું છે. સ્ટેશનની બાકી પાયાની સુવિધાઓના કામને પણ ઝડપથી આગળ ધપાવવાની જરૂર છે. જો આ પૈકીની સુવિધાઓ માટે અગાઉથી મંજૂરી મળી હોય તો રેલવે તંત્ર દ્વારા કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હવે રેલવે વિભાગ આ માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર મુસાફરોની નજર છે.