રાજકોટ RPF દ્વારા મુસાફરોની સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગત સપ્ટેમ્બરમાં પણ વિવિધ અભિયાન અંતર્ગત RPF દ્વારા મુસાફરોને મદદ કરવા સાથે નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ઓપરેશન અમાનત અંતર્ગત સપ્ટેમ્બરમાં કુલ 30 મુસાફરોને રૂ.7.70 લાખનો સામાન પરત કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપરેશન સમય પાલન હેઠળ ચેઈન પુલિંગના કેસોમાં સંડોવાયેલા 20 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓપરેશન નનહે ફરીશતે અંતર્ગત વિખુટા પડેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે “ઓપરેશન અમાનત”
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (સીનિયર ડીસીએમ) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે RPF દ્વારા “ઓપરેશન અમાનત” ચલાવવામાં આવ્યું હતું. ફરજ પરના જવાનોએ તત્પરતા દર્શાવીને રાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા 30 મુસાફરોના રૂ. 7,70,211 ની કિંમતનો કિંમતી સામાન શોધી કાઢીને મૂળ માલિકોને સફળતાપૂર્વક સુપ્રત કર્યો હતો. આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ પરિવારથી વિખૂટા પડેલા 2 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મેળવવામાં આવ્યા હતા, તેમજ “ઓપરેશન ડિગ્નિટી” અંતર્ગત અન્ય 1 વ્યક્તિને શોધીને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.