મોજ નદીનો પુલ શરૂ થાય તે પહેલાં બાયપાસ સર્વિસ રોડ પહોળો કરો

ઉપલેટા શહેરના મોજ નદીના પુલના પ્રશ્ને ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. પુલ બંધ હોવાથી શહેરમાં આવવા-જવા માટે બાયપાસનો ઉપયોગ કરવો પડે છે. તેથી વેપારીઓ, ઉદ્યોગકારો અને નગરજનોને વધારાનો સમય તથા ખર્ચ ભોગવવો પડતો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ચેમ્બરે પુલની ટેકનિકલ તપાસ માટે કમિટી બનાવી સ્ટ્રક્ચરની સ્થિતિ ચકાસવાની માંગ કરી છે. જરૂરી સમારકામ કરવા અથવા નવું સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી છે. પુલનું કામ શરૂ થાય તે પહેલાં બાયપાસના ખાખીજાખિયા અને કોલકી સર્વિસ રોડને પહોળા તથા વ્યવસ્થિત કરવાની રજૂઆત પણ કરાઈ છે.

ટ્રકોને 2-3 વખત રિવર્સ લેવી પડે તેવી સ્થિતિ
ખાખીજાખિયા અને કોલકી બાયપાસ સર્વિસ રોડ હાલ સાંકડા હોવાથી ભારે વાહનો અને મોટા ટ્રકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. કેટલાક સ્થળે ટ્રકને 2-3 વખત રિવર્સ કરાવીને પસાર કરવાની સ્થિતિ સર્જાય છે.

પુલનું કામ શરૂ થયા બાદ આ માર્ગો પર વાહનવ્યવહાર વધવાની શક્યતા છે. તેથી ચેમ્બરે બંને સર્વિસ રોડની તપાસ કરાવી જરૂરી પહોળાઈ તેમજ સુધારકામ પૂર્ણ કરવાની માંગ કરી છે.

યોગ્ય જવાબ નહીં મળે તો આંદોલન
ચેમ્બર પ્રમુખ અલ્પેશ વોરાની આગેવાની હેઠળ કરાયેલી રજૂઆતની નકલો પોરબંદરના સાંસદ ડો. માંડવિયા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રસિંહ પાડલિયા, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ-મકાન વિભાગને મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *