રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીના લોકમેળાને લઈ આજે રાઈડ્સ સંચાલકોને સ્ટોલ ફાળવવા હરાજી રાખવામાં આવી હતી. જોકે, રાઇડ્સ સંચાલકોએ હરાજીમાં ભાગ લેવાનો બહિષ્કાર કરી દેતા હરાજી લટકી પડી છે. જોકે રાઇડ્સ સંચાલકોને ફરી આગામી તા. 5 ઓગસ્ટને સોમવારે બેઠક માટે પ્રાંત-1 અધિકારી ચાંદનીબેન પરમાર દ્વારા બોલાવવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે રાઇડ્સ સંચાલકો જો એસઓપીમાં બાંધછોડ ન કરાય તો હરાજી માટે તૈયાર થશે કે કેમ?
રાઈડ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે, રાઇડ્સ માટે જે એસઓપી પ્રસિધ્ધ કરવામાં આવી છે તે અમોને માન્ય નથી. આકરા નિયમોમાં છુટછાટ આપવામાં આવે તો જ હરાજીમાં ભાગ લઇ શકાય તેમ છે. અને રાઇડ્સની ટિકિટ પણ વધારી રૂપિયા 50 અને 70 કરવાની જરૂર છે. લોકમેળા સમિતિ દ્વારા આ વખતે પ્લોટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેની સાથોસાથ આકરા નિયમો ઝીંકી દેવામાં આવેલ છે. જેમાં રાઇડ્સ માટે ફાઉન્ડેશન, એનડીટી રીપોર્ટ, આર્કી સ્ટ્રક્ચર અને ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર ફરજીયાત કરવામાં આવેલ છે. જે તેઓના માટે અશક્ય છે.