રાજકોટના કાલાવડ રોડ પરનાં લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં લોકો ત્રાહિમામ, સ્થાનિકોમાં ભારે રોષ છવાયો

રાજકોટમાં છેલ્લા 2 દિવસથી રાત્રે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આ મામુલી વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વહીવટી તંત્રની નિષ્કાળજીને લીધે ગંભીર સમસ્યાઓ વરસી પડી છે. ખાસ કરીને શહેરના વીઆઈપી ગણાતા કાલાવડ રોડ ઉપર આવેલા શ્રમિક અને મધ્યમવર્ગીય વિસ્તાર એવા લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બે દિવસના સામાન્ય વરસાદમાં આ વિસ્તારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

‘દર વર્ષે ચોમાસું આવે એટલે અમારો આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ જાય છે’ વિસ્તારની મહિલાઓએ એકત્રિત થઈને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રસ્તા, પીવાના પાણી અને ગટરની સમસ્યાઓ કોઈ નવી નથી, પરંતુ વર્ષો જૂની છે. દર વર્ષે ચોમાસું આવે એટલે અમારો આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ જાય છે. આસપાસના વિસ્તારો અને નવા બનેલા બ્રિજના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે બધું જ પાણી નીચાણવાળા ભાગમાં આવેલા અમારા ઘરો તરફ ધસી આવે છે. ગઈકાલે રાત્રિના સમયે પણ પડેલા વરસાદને પગલે આખાય વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અને લોકોના ઘર સુધી ગંદા પાણી પહોંચી ગયા હતા, જેના કારણે ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *