સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. 3 જુલાઈને શુક્રવારના રોજ વહેલી સવારે એક સંવેદનાહીન ઘટના સામે આવી હતી. જેમાં ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલા દર્દીને સારવાર આપવાના બદલે અર્ધબેભાન હાલતમાં ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો. માનવતાને લજવતી આ ઘટનામાં માત્ર એજન્સીનાં સુપરવાઈઝર-સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફને બચાવી લેવામાં આવ્યો છે. અને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના તંત્રની સંવેદના જાગી હતી અને તાબડતોબ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં આ ઘટનાનાં જવાબદાર દર્દી સહિતનાઓની પૂછપરછ કરી યોગ્ય માહિતી મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આજે તપાસ સમિતિના અહેવાલ બાદ માત્ર ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર સુરેન્દ્રસિંહ ગોહિલ અને સિક્યુરિટી મેન અરમાન પઠાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જોકે આ મામલે સિવિલ હોસ્પિટલના એક પણ કાયમી કર્મચારીને જવાબદાર ઠેરવવામાં નહીં આવતા ભારે ચર્ચા જાગી છે. તેમજ સિવિલ હોસ્પિટલના જવાબદારોએ માત્ર સિક્યુરિટી એજન્સી ઉપર જવાબદારી ઢોળી તેના સ્ટાફને બચાવી લીધાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ ઘટનામાં ભોગ બનનાર એક ગરીબ શ્રમિક છે અને તેના કોઈ વાલી-વારસ પણ ન હોવાથી તપાસ સમિતિએ તપાસનું ફીંડલું વાળી દીધુ હોવાનું લાગી રહ્યું છે.