ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કામગીરીને પગલે પ્રજાની હાલાકી ઘટાડવા મોરમ પાથરવાનું શરૂ

ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં હાલમાં જીયુડીસી દ્વારા શહેરના વિકાસ માટે ભૂગર્ભ ગટર યોજનાની વ્યાપક કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન જ તાજેતરમાં પડેલા ભારે વરસાદે સમગ્ર પંથકના જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે.

ઉપલેટા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીંની જમીન મુખ્યત્વે કાળી માટીવાળી હોવાના કારણે વરસાદ પડતાં જ એક મોટી સમસ્યા ઉભી થઈ છે.

વરસાદી પાણી ભરાતા આ કાળી માટી અત્યંત ચીકણી અને કાદવ-કીચડવાળી બની જાય છે. ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે ખોદાયેલી ખાઈઓમાં કાળી માટીના કારણે વાહનચાલકો, રાહદારીઓ માટે હાલાકી અને અકસ્માતનો ભય ઉભો થયો હતો.

સ્થાનિક નાગરિકોની આ દૈનિક મુશ્કેલીઓનો સત્વરે અંત લાવવા માટે જીયુડીસી, સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભૂગર્ભ ગટરની ખાઇઓમાં મોરમ પાથરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે અને જે વિસ્તારોમાં રસ્તાઓ પર ચાલવું અશક્ય બની ગયું હતું, ત્યાં મોટા પ્રમાણમાં મોરમ પાથરીને યોગ્ય બનાવવામાં આવી રહ્યા છે.

શહેરમાં મોસમના પહેલા ચારથી પાંચ ઇંચ વરસાદમાં સમગ્ર શહેરના રસ્તાઓની ઘોર ખોદાઇ ગઇ હતી અને કાળી માટી રસ્તા પર પથરાઇ જતાં લોકોની હાલાકી અનેકગણી વધી જતાં પાલિકાએ આળસ ત્યજવી પડી હતી.

આરંભે શૂરા જેવી સ્થિતિ ન થાય તો સારું!‎ પાલિકાએ વિપરિત હવામાન અને ચાલુ વરસાદમાં પણ લોકોની સુવિધાને જ સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા, જીયુડીસી દ્વારા કામ કરતી ખાનગી એજન્સીને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. એજન્સી પાસે તાત્કાલિક ધોરણે અલગ અલગ વોર્ડ વાઈઝ સ્પેશિયલ ટીમો બનાવડાવીને આ કામગીરીનું વિભાજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *