રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં એક વર્ષ પહેલાં વોંકળા પર બંધાયેલો સ્લેબ તૂટી જવાની ઘટના બની હતી. જેને લઈને શિવમ કોમ્પ્લેક્સને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને વેપારીઓને ધંધા-રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો. સતત એક વર્ષ સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો તેમજ મજબૂતીકરણ સહિતની કામગીરીઓ હાથ ધરાઈ હતી. આખરે સ્ટ્રક્ચર એન્જિનિયરે આ બાંધકામ સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો છે. જેને લઈને મનપાએ પણ આખરે બિલ્ડિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. પણ, આ મંજૂરીમાં જે શરતો આપી છે તેને લઈને ફરી વિવાદ થયો છે.
સિટી એન્જિનિયરે મંજૂરી આપી છે તેમાં શરતો પૈકી ચાર નંબરની શરત કહે છે કે, મનપાના માન્ય સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે દર વર્ષે બિલ્ડિંગની સ્ટેબિલિટી ચકાસણી કરાવીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત શરત નંબર 7માં લખ્યું છે કે, દર ચોમાસા પહેલાં વોંકળાની સફાઈ સ્વખર્ચે કરાવવાની રહેશે અને આ કામગીરીમાં કોઇ જરૂરિયાત ઊભી થાય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને કરવાની રહેશે. આ બે શરતોએ જ સૌથી વધુ ગૂંચ ઊભી કરી છે.