જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે પરંતુ, પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ટીમે ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે સરકારી પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને મોટી સફળતા મેળવી હતી.
પોલીસે ભવનાથ પોસ્ટ ઓફિસ પાસે સફળ રેઈડ કરીને 2,11,950 રૂપિયાની કિંમતનો ગાંજો, મોપેડ તથા મોબાઈલ મળીને કુલ 2,51,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી રઇશખાન પઠાણ અને સોહીલ શેખ નામના બે શખસોને દબોચી લીધા હતા. આ ઘટનામાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જૂનાગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ અને મોડસ ઓપરેન્ડી અંગે ACP રોહિત ડગરે જણાવ્યું હતું કે, SOG બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે કેટલાક વ્યક્તિઓ ડિલિવરી લેવા આવનાર છે, જેમાં નશીલા પદાર્થો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ માહિતીના આધારે SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી સાદા કપડામાં વોચ ગોઠવી હતી. ત્યાંથી પાર્સલ મેળવવા આવેલા શંકાસ્પદ શખસોને કસ્ટડીમાં લઈ પાર્સલ કબ્જે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તુરંત જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL ની ટીમને બોલાવીને સ્પોટ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. FSL ટેસ્ટમાં પાર્સલમાં રહેલો જથ્થો પ્રતિબંધિત ગાંજો જ હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે કાયદેસરની FIR નોંધી કાર્યવાહી આગળ ધપાવી હતી.