રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરત ભંગના કેસોમાં વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 25 માર્ચથી 16 જુલાઈ એમ માત્ર 4 માસમાં શરતભંગના 18 કેસમાં રૂ.2.18 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ખેતીની જમીનમાં હોટલ, ઓઈલ મિલ અને પાર્ટી પ્લોટ ઊભા કરી દેવાયા હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેરમાં શરત ભંગના 2 કેસ નોંધાયા છે. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ ઉપર ખેતીની જમીન પર તન્ના સ્પોર્ટ્સ નામે એકેડમી શરૂ થઈ ગયાનું સામે આવતા રૂ.33.12 લાખનો દંડ કરાયો છે તો રાજકોટ દક્ષિણમાં ખેતીની જમીનનો વાણિજ્ય ઉપયોગ શરૂ થઈ જતા રૂ.48.50 લાખનો દંડ કરાયો છે. જે રાજકોટ જિલ્લામાં સર્વાધિક દંડ છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 તથા 66 હેઠળ તા.25 માર્ચ,2026 થી તા.16 જુલાઈ, 2026ના સમયગાળા દરમિયાન જિલ્લામાં શરત ભંગના 18 મામલાઓ બહાર આવ્યા છે. જિલ્લામાં જમીનનો ગેરકાયદે ઉપયોગ કરનાર આસામીઓ અને સંચાલકો સામે તંત્ર દ્વારા કુલ રૂ.2,18,11,435 જેટલો દંડ ફટકારવાનો હૂકમ કરવામાં આવ્યો છે.