રાજકોટ-મોરબી રોડ પર આવેલા બેડી ગામે રહેતી 17 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે પિતા-પુત્રી સાથે જમ્યા બાદ પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા અને થોડીવારમાં ઘરે પરત ફર્યા ત્યારે પુત્રી બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતાં કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પિતા જમ્યા બાદ પાન-ફાકી ખાવા ગયા પરત ફરતા પુત્રી બેભાન હાલતમાં મળી
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, બેડી ગામે રહેતી 17 વર્ષીય ગાયત્રી પ્રવીણભાઈ રાણવા ગઈકાલે બપોરે તેના પિતા સાથે જમી હતી. જમ્યા બાદ સગીરાના પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા અને રસ્તામાં મંદિર પાસે થોડી મિનિટો બેઠા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ગાયત્રી બેભાન હાલતમાં જોવા મળી હતી અને તેના મોઢામાંથી ઝેરી દવાની વાસ આવી રહી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ રસ્તામાં બોલાવવાનો પ્રયાસ કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો અને ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
ઘરે બેઠા ઈમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી
હોસ્પિટલ ચોકી દ્વારા બનાવની જાણ કરવામાં આવતા કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ગાયત્રી ત્રણ બહેનો અને એક ભાઈમાં સૌથી નાની હતી. તેના પિતા ડ્રાઈવિંગ કામ કરીને અને માતા કોલેજમાં રસોઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ગાયત્રી પોતે ઘરે બેઠા ઈમિટેશનનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. હાલ સગીરાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, જે અંગે કુવાડવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લઈ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.