રાજકોટ RTO કચેરીમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિર્માણ પામ્યાના એક માસમાં એટલે કે 16 જુલાઈથી 16 ઓગસ્ટ, 2026 દરમિયાન ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના 6,534 અરજદારોમાંથી 2,956 વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થયા છે, જ્યારે 3,578 અરજદારો પાસ થયા છે. જેમાં પણ કાર સહિતના મોટા વાહનોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારોમાં નાપાસ થવાનો રેશિયો સૌથી વધુ 86.82 ટકા છે. કાર સહિતના મોટા વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1,995 માંથી 1,732 વાહન ચાલકો નાપાસ થતા ઊહાપોહ મચી ગયો છે.
જ્યારે ટુ વ્હીલરમાં 4,539 માંથી 1,224 લોકો નાપાસ થયા છે. જેનું કારણ એ છે કે નવા AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 4 સિગ્નલ પર ઊભું રહેવાનું અરજદારો ભૂલી જાય છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ કઈ રીતે આપવી તેનો પૂરો વિડિયો પણ નિહાળતા નથી. જેથી બે માસનું લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જેથી હવે RTO કચેરીમાં બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિર્માણ પામશે.
અંદાજે 2000એ કારની ડ્રાઈવિંગ ટેસ્ટ આપી તો માંડ 263 પાસ થયા RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે ભાસ્કરને જણાવ્યું હતું કે, AI આધારિત ટ્રેક નિર્માણ થયાના એક મહિનામાં LMV (લાઇટ મોટર વ્હીકલ) એટલે કે કાર સહિતના 1,995 મોટા વાહન ચાલકો પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવ્યા હતા. જેમાંથી 263 વાહન ચાલકો પાસ થયા છે. જ્યારે 1,732 વાહન ચાલકો નાપાસ થયા છે. એટલે કે છેલ્લા એક મહિનામાં 13.18 ટકા વાહન ચાલકો પાસ થયા છે તો 86.82 ટકા વાહન ચાલકો નાપાસ થયા છે.
આ ઉપરાંત ટુ વ્હીલરનું પાક્કું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે 4,539 વાહન ચાલકો આવ્યા હતા જેમાંથી 3,315 અરજદારો પાસ થયા હતા જ્યારે 1,224 લોકો નાપાસ થયા છે. એટલે કે 73.03 ટકા પાસ તો 26.97 ટકા વાહન ચાલકો નાપાસ થયા હતા.