રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ સામેથી એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા 46.85 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગૂનો નોંધવામાં આવ્યો છે અને આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોને પહોચાડવાનો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત રૂ.5 લાખની મગફળી MP પહોંચાડવાને બદલે સાવરકુંડલા ઉતારી છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે તો બેફામ કાર ચાલકે પાર્કિંગમાં રહેલા 4 બાઇકને હડફેટે લીધા હોવાની ઘટના બની છે.
રાજકોટ શહેરમાં ડ્રગ્સના વેચાણ અને સેવન સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “Say No to Drugs” અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગે કાર્યવાહી કરી છે. તા.3 ઓક્ટોબરના રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ સામે કાચા રસ્તા ઉપર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શખ્સ પાસેથી 46.85 ગ્રામ મેફેડ્રોન મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી અર્જુન ઉર્ફે અનમોલ મેરામભાઈ કોઠીવાર(ઉં.વ.28, રહે. રાજકોટ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.1,40,550 ના મેફેડ્રોન ઉપરાંત મોબાઈલ, ટુ વ્હીલર, રોકડ રૂપિયા અને આધારકાર્ડ મળી કુલ રૂ.2,31,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.