રાજકોટ મંડળ રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મે 2026 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મુસાફરોની સુરક્ષા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આઈજી અજય સદાની અને મંડળ સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાંથી મુસાફરોનો ખોવાયેલો કુલ 29 નાગરિકોનો અંદાજે 3,29,744ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પરત મેળવીને જે તે મુસાફરોને સુપરત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સામાજિક સુરક્ષા અંતર્ગત ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 2 બાળકો અને ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને શોધીને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ હેઠળ ચોરીના 1 કેસમાં 1 આરોપી અને ટિકિટોની કાળાબજારી કરતા 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રેનોના સમયપાલનને અવરોધતા તત્વો સામે લાલ આંખ કરીને ગેરકાયદેસર ચેઈન પુલિંગના 32 કેસ નોંધી 23 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. લોકોને જાગૃત કરવા માટે સરપંચો અને સ્થાનિકો સાથે બેઠકો યોજી પથ્થરમારો અટકાવવા અને મહિલા સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આરપીએફની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.