રાજકોટમાં તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા ઢોર ડબ્બામાં પશુઓના મોતનો સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજકોટનાં ઢોર ડબ્બામાં 3 મહિનામાં 756 પશુઓનાં મોત થયાનો મહાનગરપાલિકા દ્વારા એકરાર કરવામાં આવ્યો હતો. તેમજ આ સમયગાળા દરમિયાન જીવદયા ટ્રસ્ટને ઢોરનાં નિભાવ માટે 17.86 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, ચોમાસાને કારણે વધુ પશુઓ મૃત્યુ પામ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. દરમિયાન આ મામલે આજે કોંગ્રેસના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓ મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ એક કલાક સુધી મેયર મિટિંગમાંથી ફ્રી થઈને ન આવતા કાર્યકર્તાઓ મિટિંગ રૂમમાં મળવા જતા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ સમયે કોંગી કાર્યકર્તાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નકલી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો અને મીણબત્તી બતાવી કહ્યું હતું કે, ભાજપના શાસકો અબોલ જીવોને તો શ્રદ્ધાંજલિ પાઠવો!
કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, 15 જૂન-2024 સુધીમાં ઢોર ડબ્બામાં કેટલા ઢોર હતા અને કેટલા ઢોર આજ સુધીમાં મૃત્યુ પામ્યા છે? આ સવાલનો લેખિત જવાબ આપતાં મહાપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા જણાવાયું કે, 15 જૂન-2024નાં ઢોર ડબ્બામાં કુલ 1,345 ઢોર હતા. જેમાં 166 ગાય, 85 વાછરડી, 210 બળદ-ખૂંટ્, 875 વાછરડા, 5 પાડી અને 4 બકરીનો સમાવેશ થાય છે. આ પૈકી 12 સપ્ટેમ્બર-2024 સુધી 756 ઢોર મૃત્યુ પામ્યા છે! સાથે એમ પણ જણાવાયું છે કે, મોટા પશુઓ જેમાં ઘોડા, ગાય, બળદ-ખૂંટ સહિતને દરરોજ 20 કિલો અને નાના પશુ જેમાં બકરી, વાછરડી, પાડી સહિતને 10 કિલો દૈનિક ઘાસચારો આપવામાં આવતો હોય છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો નિયમ પ્રમાણે ઘાસચારો તેમજ સારવાર આપવામાં આવી રહી હોય તો પછી માત્ર 3 મહિનામાં આટલા બધા પશુઓ મૃત્યુ કેવી રીતે? મનપા દ્વારા મોટા પશુના નીભાવ માટે જીવદયા ટ્રસ્ટને પ્રતિ ઢોર દીઠ પ્રતિ દિવસ 50 અને નાના ઢોર માટે પ્રતિ ઢોર દીઠ પ્રતિ દિવસ 35 રૂપિયા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો મનપા દ્વારા સંસ્થાને આ સમયગાળા દરમિયાન 17.86 લાખની ગ્રાન્ટ પણ ચૂકવવામાં આવી છે.