PM મોદી આજે સુરતમાં, રૂ.18,778 કરોડના પ્રકલ્પોની ભેટ આપશે

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાંથી સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે. હજીરા ખાતે પીએમ મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.

કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે. ત્યાર બાદ તેઓ 6.15 વાગ્યા આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે રૂ.18,778 કરોડનો વિકાસ ઉત્સવ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ લોકાર્પણથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ આગામી સમયમાં વધુ સુદ્રઢ અને આધુનિક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *