PGVCLના નવા એમ.ડી. તરીકે પદભાર સંભાળતાની સાથે જ એમ.ડી. ચુડાસમાએ સીનિયર અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. તેઓએ વીજગ્રાહકોને અવિરત વીજ પુરવઠો આપવા, વીજચોરી સામે કડક કાર્યવાહી કરવા અને સોલાર નીતિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, રાજકોટ સહિતના શહેરોને ‘વાયર મુક્ત’ કરવાના પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાથે જ, વીજ વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા જેટકો (JETCO) સાથે સંકલન સાધીને નવા સબ-સ્ટેશનો ઊભા કરવા અંગે પણ ચર્ચા હાથ ધરી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના ચેરમેન સમક્ષ વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમટેક્ષ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં 15 દિવસનો વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને વીજ-ઈન્ટરનેટ સેવાઓ ખોરવાવાને કારણે 31 જુલાઈ સુધીનો સમયગાળો પૂરતો નથી. આ ઉપરાંત ઈ-ફાઈલીંગ પોર્ટલમાં સર્વર ધીમું ચાલવું, લોગિન પ્રોબ્લેમ અને AIS, TIS તેમજ Form 26AS ના ડેટા રિકન્સિલેશન સંબંધિત ટેકનિકલ ખામીઓના લીધે કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ભારે મુશ્કેલી પડી રહી છે. આ કુદરતી અને ટેકનિકલ પરિબળોને ધ્યાને રાખી કરદાતાઓના હિતમાં આઈટીઆર ફાઈલ કરવાની મુદત લંબાવવા માંગ કરાઈ છે.