રાજકોટ શહેરનાં માર્ગો ખાડામુક્ત બનશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં રસ્તા પર પડેલા ખાડાઓ પુરવા અને નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે તમામ ત્રણેય ઝોનમાં યુદ્ધના ધોરણે પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનના ગોવિંદ રત્ન-2, રોયલ પાર્ક-1, સર્વોદય સ્કૂલ સામે, આર.કે.નગર અને વૃંદાવન મેઈન રોડ, મુંજકા ચોક તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોમાં માર્ગોની સ્થિતિ મુજબ ડામર, મેટલ-મોરમ, સીસી અને બ્લોક પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં પણ વાહનવ્યવહારની સુગમતા અને સુરક્ષા માટે જરૂરી કામગીરી ચાલી રહી છે. આગળના દિવસોમાં ઝડપી કામગીરી માટે ‘જેટ પેચર મશીન’નો ઉપયોગ પણ કરવામાં આવશે. બાંધકામ શાખાના સિટી એન્જિનિયરના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા માર્ગોની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને જ્યાં પણ ખાડા કે ખરાબ રસ્તા દેખાશે ત્યાં તાત્કાલિક મરામત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ, ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ચાંદીપુરા વાયરસ તથા બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમના નિદાન, સારવાર અને જનજાગૃતિ અંગે સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં તંત્ર દ્વારા અગાઉથી જ જાગૃતિ અને નિવારક પગલાં પર ભાર મુકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં નાયબ આરોગ્ય અધિકારીઓ અને આયુષ ડોકટરોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડો. મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિસ્ત્રી અને ડો. ભાવેશ કાનાબાર દ્વારા વહેલું નિદાન, સમયસર સારવાર અને અસરકારક સર્વેલન્સ અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ નાયબ આરોગ્ય અધિકારી ડો. આશીષ કોડીયાતરે શંકાસ્પદ કેસો અંગે ત્વરિત જાણ કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *