લોકમેળાના શ્રેષ્ઠ નામાભિધાન માટે 200 એન્ટ્રી શોર્ટ લિસ્ટ

રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યા મુજબ, લોકમેળાના આકર્ષક નામ (શિર્ષક) માટે 4300થી વધુ એન્ટ્રીઓમાંથી 200 શ્રેષ્ઠ નામો શોર્ટલિસ્ટ કરાયા છે, જેમાંથી ટૂંક સમયમાં જ આખરી નામ જાહેર કરવામાં આવશે. વિવિધ કેટેગરીના 228 સ્ટોલ-પ્લોટ સામે અત્યાર સુધીમાં 418 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, જ્યારે 3 થી 8 ઓગસ્ટ દરમિયાન ડ્રો અને હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે. મેળા દરમિયાન હોનારત કે ડિઝાસ્ટરની સ્થિતિને પહોંચી વળવા માટે રૂ. 5 કરોડથી વધુનું વીમા કવચ લેવામાં આવશે.

રાજકોટ લોધિકા સંઘની સાડા પાંચ વર્ષ બાદ ચૂંટણીથી રાજકીય ગરમાવો રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રા.લો.સંઘ)ની મુદત પૂર્ણ થતાં જ તેની ચૂંટણી યોજવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રક્રિયા પારદર્શી રીતે પૂરી થાય તે માટે ઈન્ચાર્જ પ્રાંત-2 અધિકારી આચાર્યને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. 2-3 દિવસમાં કામચલાઉ અને 15 દિવસમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. સંઘના 15 મતદાર મંડળના 61 મતદારો મતદાન કરીને 15 સભ્યો ચૂંટશે. આ ઉપરાંત 7 વ્યક્તિગત સભાસદોમાંથી 1 પ્રતિનિધિ ચૂંટવામાં આવશે. આગામી જન્માષ્ટમીના તહેવાર સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે.

ઉલ્લેખનીય છે કે, રા.લો.સંઘની પાંચ વર્ષની મુદત 24 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થઈ હતી, ત્યારબાદ રાજ્ય સરકારે 28 જાન્યુઆરી 2026ના જાહેરનામાથી છ મહિનાની મુક્તિ આપી હતી. હવે આ મુદત પણ પૂર્ણ થતાં ચૂંટણીનું કૌઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, જેના કારણે સ્થાનિક સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *