રાજકોટના જસદણ ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિર પાસે શ્રાવણ માસનો લોકમેળો 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જેથી એક મહિના માટે મંદિર હસ્તકની વિવિધ જગ્યાઓ એક માસ માટે ભાડે આપવામાં આવશે. લોકમેળા પરિસરની હરાજીની અપસેટ કિંમત રૂ.21 લાખ રાખવામાં આવી છે. જેમાં 103 સ્ટોલ અને 11 દુકાનો ભાડે આપવામાં આવશે. આ સાથે જ સ્વસહાય જૂથોના 50 સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.
મંદિર હસ્તકના તમામ પાર્કિંગ જેવા કે ગોડલાધાર રોડ પરનું પાર્કિંગ, મોઢુકા રોડ પરનું પાર્કિંગ અને નવાગામ રોડ પરના પાર્કિંગ માટે એક મહિનાના સમયગાળાની અપસેટ કિંમત રૂ.5 લાખ છે તેમજ એક મહિના માટે મંદિર પરિસર આસપાસના કુલ 103 સ્ટોલ તથા 11 માસના સમયગાળા માટે કુલ 33 પાકી દુકાનો માટેની અપસેટ કિંમત રૂ.28 લાખ છે.
આ જગ્યાઓની હરાજી ઓનલાઈન પોર્ટલ (www.nprocure.com) પર કરવામાં આવશે. તા.7 ઓગસ્ટના રોજ સાંજે 6 કલાક સુધીમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે. જેમાં ભાગ લેનારે અગાઉથી સ્થળ પર જઈને તમામ જગ્યાનું નિરીક્ષણ કરી લેવાનું રહેશે અને આ જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરીને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાની રહેશે.