નવી ખાનગી શાળા શરૂ કરવા માટે રાજકોટ જિલ્લામાંથી 13 જેટલી અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી માત્ર 5 જ શાળાને મંજૂરી મળી છે જ્યારે બાકીની 8 શાળાની અરજી શિક્ષણબોર્ડે ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
શિક્ષણબોર્ડના નિયમ મુજબ જે શાળાએ તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા તેને મંજૂરી મળી છે જ્યારે જે શાળા પાસે મેદાન ન હતું, મેદાનનો ભાડા કરાર રજિસ્ટરને બદલે નોટરાઈઝ હતો, શૈક્ષણિક હેતુ માટે જમીન ન હોય, ક્લાસરૂમ બોર્ડના નિયમ મુજબની સાઈઝના ન હોય, ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી 8 જેટલી શાળાની અરજી નામંજૂર કરવામાં આવી હોવાનું ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં આશરે 900 જેટલી ખાનગી શાળા ચાલી રહી છે. એકબાજુ સરકારી અને ખાનગી શાળાઓ ચલાવવી મુશ્કેલ બની રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓ એકબીજીમાં મર્જ કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.