રાજકોટમાં જમાઈનો સાસુ પર છરીથી હુમલો

રાજકોટમાં મવડીના અમરનગર-2 માં પ્રેમલગ્ન કરનાર યુવતી સાથે અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપનાર જમાઈએ સાસુ પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમરનગરમાં રહેતી 22 વર્ષીય ઈશીતાબેન પરમારે દોઢ વર્ષ પહેલાં રૈયા ગામના ચેતન નરેશ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનના થોડા સમય બાદથી આરોપી ચેતન તેની પત્નીને માતાના ઘરે જવા બાબતે તેમજ ફોન પર વાત કરવા બાબતે સતત રોકટોક કરી માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિણીતા 12 ઓક્ટોબરે પોતાના માતૃગૃહે આવી ગઈ હતી.

અગાઉ પણ આરોપી ચેતને સાસરિયે આવીને વારંવાર બોલાચાલી અને ઝઘડો કરતો હતો. ગત 17મી તારીખે સાંજના સમયે આરોપી ફરીથી સાસરિયાના ઘરે ધસી આવ્યો હતો. આ સમયે સાસુએ તેને ત્યાંથી જતી રહેવા કહેતા ઉશ્કેરાયેલા જમાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢીને સાસુના પગના સાથળના ભાગે ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. આ હુમલાની ઘટના અંગે પરિણીતાની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર રોડ પર ન્યુ વિજયનગરમાં રહેતા અને કારના જૂના ટાયરના ફિટિંગનું કામ કરતા 42 વર્ષીય હરેશભાઈ બીજાભાઈ સોલંકીને કુખ્યાત ઓડિયા ગેંગના સાગરીતો દ્વારા ખૂનની ધમકી આપવાની ઘટના સામે આવી છે. થોરાળા વિસ્તારમાં રહેતા કામિલ હાજી ઓડિયા અને અશરફ ઓડિયા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આશરે 9 મહિના પહેલા ઓડિયા ગેંગ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. જેનો ખાર રાખી કામિલ ઓડિયાએ વોટ્સએપ પર 5 ઓડિયો ક્લીપ મોકલી ગાળો ભાંડી હતી. તો અશરફ ઓડિયાએ ગંજીવાડાના નાકે યુવાનને મળીને, તે અમારા માણસો પર ગુજસીટોક કરાવી છે, બધા છૂટી ગયા પછી તને જીવતો નથી મુકવાનો કહી ખૂનની ધમકી આપી હતી. આ અંગે થોરાળા પોલીસે બેલડી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *