ગુજરાતમાં નવ દિવસ મનમૂકીને ગરબા રમ્યા બાદ લોકોએ દશેરાના શુભ પ્રસંગે મનમૂકીને વાહનોની પણ ખરીદી કરી. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશનના મતે રાજ્યમાં એક જ દિવસમાં 11 હજાર કાર અને 50 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું.
5-10 લાખ રૂપિયાની કાર વચ્ચે 3થી 4 કરોડમાં વેચાતી મર્સિડિઝ, ઓડી અને BMWનો પણ દબોદબો રહ્યો. પેટ્રોલ-ડીઝલની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો EV પણ ખરીદતા જોવા મળ્યા.
અમદાવાદમાં એક દિવસમાં 6500 ટુ વ્હીલર અને 3000 કારનું વેચાણ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)ના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું કે, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદી માટે આ ખૂબ જ મહત્વનો તહેવાર હોય છે અને કસ્ટમર લગભગ આ દિવસે જ ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે. આજની વાત કરીએ તો, લગભગ 8 થી 10 ટકા જેવો ગ્રોથ ગયા વર્ષના દશેરા અને નવરાત્રીના કમ્પેરીઝનમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લગભગ આશરે 6000 થી 6500 જેટલા ટુ-વ્હીલર અને 2500 થી 3000 જેવી કારની ડિલિવરી થઈ છે.
અમદાવાદમાં સામાન્ય કારની સાથે ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડિઝ જેવી લકઝરી કારનું પણ ધૂમ વેચાણ થયું. ઓડી શોરૂમના મેનેજર હર્ષભાઈએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે ત્યાંથી નવરાત્રી દરમિયાન પહેલા નોરતે ઓડીનું સ્પોર્ટ્સ મોડલ જે 2.5 કરોડથી શરૂ થાય છે તે એક અમદાવાદમાં વેચાઈ હતી અને આજે સુરતમાં બે જ સ્પોર્ટસ કાર જેમાંથી એક અઢી કરોડની અને એક સાડા ત્રણ કરોડની છે તે મોકલવામાં આવી છે. ઓડીના q3 model જે નવી q3 છે અને જૂની q3 છે એ બંને મોડલનું સૌથી વધારે વેચાણ થયું છે. તેની માંગ પણ સૌથી વધુ છે. બાકી દર વર્ષની સરખામણીમાં ડબલ કાર વેચાઈ છે.