જૂનાગઢથી મળવા આવેલા પતિ સાથે બહાર ગયેલીપત્નીને કારમાંથી ઉતારી પુત્રને લઇ પતિ નાસી ગયો

શહેરમાં રહેતી યુવતીએ જૂનાગઢ રહેતા તેના પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ કરી હતી. પતિ સહિતના સાસરિયાંઓ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા અને યુવતી પોતાના ચાર વર્ષના પુત્ર સાથે રિસામણે આવી ગઇ હતી. તો પતિ પુત્રને મળવાના બહાને આવ્યો હતો અને કારમાં બહાર ગયા બાદ યુવતીને કારમાંથી ઉતારી પુત્રને લઇને પતિ નાસી ગયો હતો. ગાંધીગ્રામના ગૌતમનગરમાં પિતાના ઘરે પંદર દિવસથી રહેતી મનિષા ગઢવીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ રહેતા પતિ દિપેશ નટવરલાલ ગઢવી, સાસુ પન્ના નટવરલાલ ગઢવી, મોટા સસરા ઇશ્વર લખુ ગઢવી અને રાયપુર રહેતી નણંદ જાગૃતિ જયેશ જીબાના નામ આપ્યા હતા. મનિષાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2017માં દિપેશ સાથે થયા હતા અને દોઢ વર્ષ લગ્નજીવન સારું ચાલ્યું હતું. પુત્રનો જન્મ થયા બાદ પતિ સહિતના સાસરિયાં નાની નાની બાબતોમાં મેણાંટોણાં મારતા હતા. પુત્ર યશરાજ હાલમાં 4 વર્ષનો છે.

રાયપુર રહેતી નણંદ જાગૃતિ ફોન કરીને પતિને ચડામણી કરતી અને કહેતી કે આને કાઢી મૂકો પછી જ ઘરે આવીશ. પાડોશમાં રહેતા મોટા સસરા ઇશ્વર ગઢવી પણ તેને સાથ આપતા હતા. મનિષા સગર્ભા હતી ત્યારે સાસુ યોગ્ય વ્યવહાર કરતા નહોતા અને નણંદની હાજરીમાં પતિએ માથાકૂટ કરી ફડાકા માર્યા હતા. પાણીનો ટાંકો છલકાઇ જાય તો તે મુદ્દે પણ પતિ ઝઘડા કરતો હતો. લગ્નના ત્રણ વર્ષ પછી બાળક સાથે પતિ-પત્ની અલગ રહેવા ગયા તો પતિ દિપેશ પત્ની મનિષાને તેના પિયરના પ્રસંગમાં પણ જવા દેતો નહોતો. દોઢ વર્ષ પહેલાં દિપેશે પત્ની મનિષાને ઢોરમાર માર્યો હતો અને આંખના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *