રાજકોટ શહેરમાં સોમવારની સવારે વાદળછાયું વાતાવરણ થયું હતું. ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, પણ વાદળોને કારણે તાપમાનમાં વધારો ખૂબ ધીમે ધીમે આવ્યો હતો. સવારના સમયે પણ 17થી 19 ડિગ્રી સેલ્સિયસ હતું અને બપોર બાદ માંડ 27 ડિગ્રી સેલ્સિયસ પર પારો પહોંચી શક્યો હતો. ધ્રાબડિયા વાતાવરણ અને ઠંડીને કારણે રાજકોટ શહેરનો માહોલ હિલસ્ટેશન જેવો થઈ ગયો હતો.
શહેરમાં સાંજના સમયે એકદમથી પારો નીચો પડવા લાગ્યો હતો અને રાત્રીના સમયે 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું હતું. બીજી તરફ પવનની ગતિ પણ વધારે રહેતા સોમવારનો આખો દિવસ ઠાર અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં આગામી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જ રહેવાનું છે. ન્યૂનતમ તાપમાન 13થી 14 ડિગ્રી સેલ્સિયસ રહેશે પણ વાદળોને કારણે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.