DAP ખાતરના ભાવમાં રૂ. 700 નો વધારો

કેન્દ્રની વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓ વચ્ચે ખાતરના ભાવમાં અધધ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. ઉપલેટા સહિત સમગ્ર પંથકમાં ડીએપી ખાતરની એક થેલીના ભાવમાં સીધો 700 રૂપિયાનો વધારો જીપી દેવામાં આવતા ખેડૂતોની આર્થિક કમર ભાંગી ગઈ હતી.

પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજેરાએ આ ભાવ વધારા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું કે, અગાઉ 1400 રૂપિયામાં મળતી ખાતરની થેલીના ભાવ હવે 2100 રૂપિયા કરી દેવાયા છે. એકતરફ બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે ખાતરના આ ભાવ વધારાએ ખેતીને નુકસાનીનો ધંધો બનાવી દીધી હતી. ખેડૂતોને સંગઠિત થઈ આંદોલન કરવા માટે તેમણે પંથકના ખેડૂતોને આહવાન કર્યું હતું.

પ્રદેશ કિસાન સભાના લડાયક પ્રમુખ ડાયાલાલ ગજેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂત અને ગરીબ વિરોધી સાબિત થઈ રહી છે. ખેડૂતોની આવક તો વધી નથી, પરંતુ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કરીને ખેડૂતોની હાલાકીમાં વધારો કર્યો છે. પૂરતી મહેનત અને ઉત્પાદન ખર્ચ સામે ખેડૂતોને પાકના પૂરા ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂત વર્ગ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે.

દેશમાં હાલમાં ખાતરનો વપરાશ 32.9 મિલિયન ટન સુધી પહોંચ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ખાતર કેનેડા, રશિયા, ઇઝરાયેલ અને જોર્ડન જેવા દેશો પાસેથી આયાત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *