રાજકોટ જિલ્લાના લોધિકાના મેટોડામાં બાલાજી સોસાયટીમાં રહેતા અને ઘર પાસે સલૂન ચલાવતા અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા મેહુલભાઇ રાજેશભાઇ ભટ્ટી પાસે વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપનાર ચીભડા ગામના રાહુલ ઉર્ફે ગાંડુ બાબુતર અને મનિયાભાઇ બાબુતર સામે ફરિયાદ કરી હતી. બનાવને પગલે મેટોડા પોલીસે બન્ને વ્યાજખોર સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેટોડામાં રહેતા મેહુલભાઇએ ત્રણેક માસ પહેલાં તેના બીમાર પિતાની સારવાર માટે પૈસાની જરૂર હોય તેની દુકાન પાસે ચાની હોટેલ ચલાવતો રાહુલ બાબુતરને વાત કરી હતી. જેથી તેને 25 હજારના રોજના 400 લેખે માસિક 12 હજાર વ્યાજ આપવું પડશે કહી વાત કરી હતી. બાદમાં મારે પૈસાની જરૂર હોય મેં હા પાડી પૈસા લીધા હતા અને એક માસ સુધી રોજના 400 લેખે મહિને 12 હજાર આપ્યા હતા. બાદમાં ધંધો સારો ચાલતો ન હોય વ્યાજ નહીં આપી શકતા રાહુલ બાબુતર દુકાને અાવ્યો હતો અને પૈસા નહીં આપે તો તારી દુકાન બંધ કરાવી દઇશ અને તારી ખુરશી ભરી જઇશ કહી ધમકી આપી હતી.
દરમિયાન રાહુલથી કંટાળી તે ગાંધીધામ તેના પરિચિત જશુભાઇને પાનની દુકાને કામ કરવા જતો રહ્યો હતો બાદમાં તેના પિતાની તબિયત ખરાબ થતા તે પરત આવ્યો હતો અને રાહુલ સાથે વાતચીત કરી તેને 25 હજારના 40 હજાર ચૂકવવાની વાત થઇ હતી જેથી તેને હા પાડી હતી અને માસિક પાંચ હજારના હપ્તાઓ આપવાની વાત થઇ હતી અને તેને પાંચ-પાંચ હજારના બે હપ્તાઓ આપી દીધા હતા.