AMCએ પબ્લિક અને રાજ્ય સરકારને ઉઠા ભણાવ્યા

અમદાવાદનો સુભાષ બ્રિજ ડેમેજ થયા બાદ નવા બનાવવા માટેની કામગીરીમાં AMCના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી સરકારી અને શહેરીજનોને ઉઠા ભણાવ્યા હોવાનું સામે આવ્યું છે. સુભાષ બ્રિજ જૂનો હોવા છતા ડીટેઈલ રિપોર્ટ કરાવવાના બદલે પ્રાથમિક રિપોર્ટના આધારે જ માત્ર સુપર સ્ટ્રકચર તોડવાનો નિર્ણય કરી ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું હતું. જો કે, જ્યારે બીમ તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પિલ્લરમાં જોખમ દેખાતા બ્રિજના સ્ટ્રકચરને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ છે કે, લોકોની સુરક્ષા અને પરિવહન સાથે જોડાયેલા બ્રિજની મજબૂતાઈને લઈ શા માટે પહેલા જ ડિટેઈલ ઈન્વેસ્ટિગેશન ન કરાયું? એવી તો શું ઉતાવળ હતી કે પ્રાથમિક રિપોર્ટના આધારે જ ટેન્ડર બહાર પાડી ડિમોલીશન શરૂ કરવું પડ્યું?

અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ પડવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અલગ અલગ બ્રિજ કન્સલ્ટન્ટ અને નિષ્ણાંતો પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. બ્રિજમાં ખામીઓ સહિતના કારણો જાણવા માટે અલગ અલગ રિપોર્ટ કરાવી બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવો કે રીપેરીંગ કરવો તેના રિપોર્ટ કરાવી અને નિર્ણય લેવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ બેદરકારી દાખવી હોવા અંગેનો ખુલાસો થયો છે. સુભાષબ્રિજમાં તિરાડ પડ્યા બાદ તેના રિપોર્ટ સમયે માત્ર સેમ્પલ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જેમાં તમામ 9 પિલ્લરના રિપોર્ટ કરાવવાની જગ્યાએ કોઈપણ બે થી ત્રણ પિલ્લરના સેમ્પલ લઈને બ્રિજના એક પણ પિલ્લરને નહીં તોડવાનો નિર્ણય લીધો હતો. જોકે બ્રિજના ડિમોલેશન સમયે ગર્ડર તોડતી વખતે સ્પાનમાં પોપડું પડ્યું હોવાથી અંદર પણ ખામી જોવા મળતા ઊંડાણપૂર્વક રિપોર્ટો કરાવી અને સંપૂર્ણપણે તોડવા માટે અભિપ્રાય આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *