રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મનપાની માલિકીનાં પલોટોમાં થયેલા દબાણો એક બાદ એક દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મવડી ખાતે મનપાનાં ટીપી વિભાગની ટીમોએ ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. જેમાં અંબિકા ટાઉનશીપ અને બાપા સીતારામ ચોક નજીકનાં પ્લોટમાં તેમજ એપ્રોચ રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું હતું અને 200 ચો.મી.ની અંદાજે રૂ. 1.20 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અલગ-અલગ અનામત હેતુંના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ તથા ટી.પી. રોડના એપ્રોચ પરનું અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 200.00 ચો.મી.ની અંદાજે રૂ.1.20 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ગેરકાયદેસર ફેબ્રિકેશનનું બાંધકામ હટાવાયું
ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ, ટી. પી. સ્કીમ નં.26 (મવડી), 9.00 મી. ટી.પી. એપ્રોચ રોડ, જય પાર્ક શેરી નં.1, 2 અંબિકા ટાઉનશીપ, મવડી, રાજકોટ ખાતે ચાપણીયાની દિવાલ તોડી પાડવામાં આવી હતી. તેમજ ટી.પી. સ્કીમ નં.21-મવડી (ડ્રાફ્ટ) એફ.પી. 55/A(એસ.ઈ.ડબલ્યુ.એસ), બાપાસીતારામ ચોક પાસે, હોકર્સ ઝોન પાસે, મવડી, રાજકોટ ગેરકાયદેસર ફેબ્રિકેશનનું બાંધકામ હટાવવામાં આવ્યું હતું.