ઉપલેટા તાલુકામાં ખેતીવાડીના અનિયમિત વીજ પુરવઠા અને વારંવારના લોડશેડિંગથી પરેશાન ઝાંઝમેર અને સુપેડી ગામના આશરે 200 ખેડૂતોએ PGVCL કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ચાર કલાક વીજળી આપ્યા બાદ બે કલાકનો કાપ મૂકવામાં આવે છે.
વારંવાર ડીમ પાવર અને લોડશેડિંગથી ખેતીનાં મોટરો બળી રહ્યા છે. ઊભા પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. કલાકો સુધી રજૂઆત છતાં સંતોષકારક જવાબ ન મળતાં ખેડૂતોએ કચેરીના પંખા બંધ કરી રામધૂન બોલાવી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વીજ પુરવઠો અનિયમિત હોવાથી ખેતીનાં કામો અટકે છે. મજૂરો પણ કામ કરી શકતા નથી. મોટરો બળી જતાં સમારકામનો વધારાનો ખર્ચ વેઠવો પડે છે. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે શહેર વિસ્તારમાં લોડશેડિંગ થતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ મૂકવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન સાંજે પણ વીજળી કાપવામાં આવતી હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી.
ખેડૂતો સવારે 10 વાગ્યાથી કચેરીએ પહોંચ્યા હતા. અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં તેમણે કચેરીના પંખા બંધ કરીને વિરોધ કર્યો હતો. ખેડૂતોનું કહેવું હતું કે ખેતરોમાં વીજળીના અભાવે કામ કરવું મુશ્કેલ બને છે.
કચેરીમાં પણ ગરમીનો અનુભવ થાય તે માટે પંખા બંધ કરાયા હતા. આ દરમિયાન ખેડૂતોએ ‘શ્રી રામ જય રામ’ની રામધૂન બોલાવી. ‘તાનાશાહી બંધ કરો’ના નારા લગાવ્યા હતા. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી.
બીજી તરફ, PGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોની સમસ્યાથી વાકેફ છે. તેમના જણાવ્યા મુજબ, સિસ્ટમમાં લોડ મેનેજમેન્ટના ભાગરૂપે ખેતીવાડી અને JGVY ફીડરોમાં વીજકાપ મૂકવો પડે છે.
હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન જેવી આવશ્યક સેવાઓ શહેરી વિસ્તારોમાં અવિરત ચાલુ રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ફરજિયાત લોડશેડિંગ કરવામાં આવે છે. જોકે, આ સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચ સ્તરે ચર્ચા કરવાની ખાતરી અધિકારીએ આપી હતી. વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી.