રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું સફળ લોડિંગ કરવામાં આવ્યું

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતેથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું સફળ લોડિંગ સંપન્ન કરવામાં આવ્યું છે. આ વિશેષ પહેલ હેઠળ 20 વેગનમાં અંદાજે 1260 મેટ્રિક ટન આયોડાઇઝ્ડ મીઠું ભરીને બિહારના ફતુહા સ્ટેશન માટે રવાના કરવામાં આવ્યું હતું. આશરે 1876 કિલોમીટરના લાંબા અંતરના આ પરિવહનથી રેલવે પ્રશાસનને 27 લાખની નોંધપાત્ર આવક થઈ છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ નવી પહેલથી સ્થાનિક ઉદ્યોગોને સલામત અને કિફાયતી વિકલ્પ મળ્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ કન્સાઇનમેન્ટનું સંચાલન સીટીએ લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે મેસર્સ નિર્મા લિમિટેડ આ માલસામાનની મોકલનાર અને મેળવનાર પક્ષકાર છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતે આયોડાઇઝ્ડ મીઠાનું પ્રથમ વખત થયેલું આ લોડિંગ ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના અધિકારીઓ અને સ્ટાફની સતત મહેનતનું પરિણામ છે. આવી પહેલથી રેલવેની આવકમાં વૃદ્ધિ થવા સાથે ઔદ્યોગિક ગૃહોને લાંબા અંતર માટે વિશ્વસનીય રેલ સેવાનો લાભ લેવાની તક મળે છે.

નવી ચીજવસ્તુઓના પરિવહન પર વિશેષ ભાર
કોમર્શિયલ અને ઓપરેટિંગ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પરસ્પર તાલમેલ સાધીને નવી વ્યાપારી સંભાવનાઓ શોધી કાઢી હતી. પરંપરાગત ચીજવસ્તુઓ ઉપરાંત નવી પ્રોડક્ટ્સને રેલ નેટવર્ક સાથે જોડવાના સતત પ્રયાસોને લીધે આ નવીન લોડિંગ શક્ય બન્યું છે. રાજકોટ ડિવિઝન હાલ નવા ગ્રાહકોને રેલવે સાથે જોડવા, વિવિધ માલસામાનના લોડિંગની શક્યતાઓ ચકાસવા અને સ્થાનિક વેપારી સંગઠનોને રેલ પરિવહન અપનાવવા પ્રોત્સાહિત કરવાની દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *