રાજકોટમાં દિવાળીએ જળસંકટનાં એંધાણ

રાજકોટવાસીઓ પર અપૂરતા વરસાદને કારણે ગંભીર જળસંકટ તોળાયું છે. મહાનગરપાલિકાએ જૂન 2027 સુધી ચાલે તેટલા 4000 એમસીએફટી નર્મદા નીરની માગણી કરી હોવા છતાં, કેનાલ રિપેરિંગ કરવાના બહાને છેલ્લા પંદર દિવસથી દૈનિક ઉપાડ જેટલો જથ્થો પણ બંધ કરી દેવાયો છે. પરિણામે, આજી-1 અને ન્યારી-1 ડેમમાં માત્ર 25થી 30 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. આગામી 8 નવેમ્બરે દિવાળી હોવાથી અને વારંવાર રિમાઇન્ડર છતાં સિંચાઇ વિભાગ દ્વારા પાણી ન છોડાતા, જો તાત્કાલિક નર્મદા નીર નહીં મળે તો રાજકોટના 20 લાખ નાગરિકો માટે દિવાળી ઉપર જ પાણીની પારાયણ કરવી પડે તેવી શક્યતા છે. જોકે અધિકારીઓ જલ્દીથી નર્મદાના નીર મળતા થવાની આશા રાખી રહ્યા છે. પણ ચોક્કસ તારીખ આપી શકતા નથી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે સિંચાઇની સાથે પીવાના પાણીની પણ વિકરાળ સમસ્યા ઉભી થઇ છે. રાજકોટવાસીઓ માટે દિવાળી ઉપર જ પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા દ્વારા આગામી જૂન 2027 માસ સુધી ચાલે તેટલો 4000 એમસીએફટી નર્મદાનીરનો જથ્થો સૌની યોજના હેઠળ આપવાની માગણી લાંબા સમય પહેલા રાજ્ય સરકાર પાસે કરી દેવામાં આવી છે. આ માગણી અંતર્ગત આજી ડેમમાં 2100 એમસીએફટી અને ન્યારી ડેમમાં 1900 એમસીએફટી પાણી ઠલવવાની માંગ કરાઈ છે. નોંધનીય છે કે આજી ડેમની કુલ કેપેસિટી 917 એમસીએફટી (29 ફૂટ) અને ન્યારીની કુલ કેપેસિટી 1248 એમસીએફટી (25 ફૂટ) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *