રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે લાલ આંખ કરીને 93 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરીને 115 કિલો વાસી તથા અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો અને 22 પેઢીઓને નોટિસ આપી રૂ. 27,000 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં પણ લાયસન્સ અને સ્ટોરેજ અંગે ગંભીર બેદરકારી સામે આવતા તેને નોટિસ ફટકારાઈ હતી અને મસાલા, સીંગતેલ, દાળ તેમજ શાક સહીતના કુલ 7 નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. નાયબ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, વાસી ખોરાક અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરીને વ્યાપક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા સમગ્ર શહેરમાં કુલ 93 જેટલી વેપારી પેઢીઓ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડીને સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.