દિલ્હીની 6, મુંબઈની 5 સહિતની ફ્લાઈટથી તહેવારોમાં હવાઈ મુસાફરોને ફાયદો થશે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 25 ઓક્ટોબર 2026થી 27 માર્ચ,2027 દરમિયાન ઉડાન ભરનારી ફ્લાઈટનું વિન્ટર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શિયાળામાં 19 ફ્લાઈટ ઉડાન ભરશે. દિલ્હીની 6, મુંબઈની 5, નવી મુંબઈની 2, પુણે, હૈદરાબાદ, બેંગલોર અને ગોવાની એક – એક ફ્લાઇટ તો સુરત અને મુન્દ્રા માટે નાનું વિમાન ઉડાન ભરતા તહેવારોમાં હવાઈ મુસાફરોને ફાયદો થશે.

વિન્ટર શેડ્યુઅલમાં ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થવાની સાથે વિવિધ રૂટ પર ફ્લાઇટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળાના હવામાન અને ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક ફ્લાઇટના આગમન-પ્રસ્થાનના સમયમાં 15થી 45 મિનિટ સુધીનો ફેરફાર કરાયો છે. નવા શેડ્યુલમાં રાજકોટથી ગોવા માટે નવી ફ્લાઇટનો ઉમેરો થયો છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 6:45 વાગ્યે રાજકોટથી ઉપડશે.

આ ઉપરાંત પુણેની ફ્લાઇટનો સમય સમર શેડ્યુલના સવારે 10:20ની સરખામણીએ બદલીને બપોરે 1:40 વાગ્યાનો કરાયો છે. જ્યારે હૈદરાબાદની ફ્લાઇટનો સમય રાત્રે 8:10થી બદલીને સવારે 8:05 વાગ્યાનો કરવામાં આવ્યો છે. દિલ્હી અને મુંબઈ સહિતના રૂટ પર પણ ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાયો છે. ફ્લાઇટના સમય અને સંખ્યામાં ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ મુસાફરી પહેલાં ટિકિટ તથા સંબંધિત એરલાઇન્સની અધિકૃત વેબસાઇટ પરથી સમયની ચકાસણી કરવી જરૂરી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *