રાજકોટ રેલવે ડિવિઝન ડ્રોનથી રેલવે લાઈનનું ચેકિંગ કરશે

રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય ટેકનીકલ સુધારાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાપાથી કાનાલુસ વચ્ચેના 31 કિમી લાંબા સેક્શનમાં વીજળીની લાઈનો (ઓવરહેડ ઇક્વિપમેન્ટ – OHE)ના નિરીક્ષણ માટે આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો સામાન્ય જનતા અને ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરોને થશે.

આધુનિક ડ્રોન દ્વારા હવે રેલવે લાઈનનું લાઈવ ચેકિંગ શક્ય બનશે, જેનાથી ભવિષ્યમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ટ્રેનો થંભી જવાના બનાવો બંધ થશે. ટ્રેનો સમયસર ચાલશે, મુસાફરોનો કિંમતી સમય બચશે અને મુસાફરી વધુ સુરક્ષિત તથા આરામદાયક બનશે.

ટ્રેન વ્યવહાર રોક્યા વિના ડ્રોનથી નજર
સામાન્ય રીતે જ્યારે રેલવેની વીજ લાઈનોનું સમારકામ કે તપાસ કરવાની હોય ત્યારે પાવર બ્લોક લેવો પડે છે, એટલે કે વીજ પુરવઠો બંધ કરવો પડે છે અને ટ્રેનોનો વ્યવહાર રોકવો પડે છે. તેના કારણે અનેક ટ્રેનો મોડી પડે છે અથવા રદ કરવી પડે છે, જેનો સીધો ભોગ સામાન્ય મુસાફરો બનતા હોય છે. પરંતુ ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રેનોનો વ્યવહાર રોક્યા વિના કે પાવર બ્લોક લીધા વિના જ ચાલુ લાઈને બારીક તપાસ કરી શકાશે. આનાથી મુસાફરોને ટ્રેન રદ થવાની કે કલાકો સુધી સ્ટેશનો પર અટવાઈ જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

ખામીઓ ડ્રોનથી પ્રારંભિક તબક્કે ઓળખાઈ જશે
આ ઉપરાંત, રેલવેમાં ટેકનિકલ ખામીઓને કારણે થતા અકસ્માતો અને દુર્ઘટનાઓ અટકાવવામાં પણ આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થશે. ડ્રોનમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કેમેરો હોવાથી તે વીજ લાઈનના નાનકડા વાયર, લૂઝ કનેક્શન કે ગાયબ થયેલી પિન જેવી અત્યંત સૂક્ષ્મ ખામીઓને પણ તુરંત પકડી પાડે છે. મેન્યુઅલ તપાસમાં જે ખામીઓ માણસોની નજરે પડતી નથી, તે ડ્રોન કેમેરાની મદદથી પ્રારંભિક તબક્કે જ ઓળખાઈ જશે. પરિણામે, મોટો અકસ્માત સર્જાય તે પહેલાં જ તેનું નિવારણ કરી શકાશે, જેથી મુસાફરો પોતાની સફર સંપૂર્ણ નિશ્ચિંતતા અને સુરક્ષા સાથે પૂરી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *