બે શખસોને ઝડપી 14 ગુનાઓનો ભેદ ઉકેલી 16 ટાયર અને કાર સહિત 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાર્ક કરેલા બોલેરો પીકઅપ વાહનોમાંથી ટાયર ચોરી કરતી ગેંગના બે સાગરીતોને આજીડેમ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના 16 નંગ ટાયર, ચોરીમાં વપરાયેલી સ્વિફ્ટ કાર તથા જેક સહિત કુલ રૂ.5.81 લાખનો મુદ્દામાલ રિકવર કરી રાજકોટ, મોરબી અને ખંભાળીયા સહીત વિસ્તારમાં થયેલ 14 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પીકઅપ વાહનોના ટાયરો ચોરાયાની ફરિયાદ
​રાજકોટ શહેર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે પાર્ક કરેલા બોલેરો પીકઅપ વાહનોમાંથી ટાયરો ચોરી થવાના બનાવો સતત વધી રહ્યા હતા. આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા હલેન્ડા ગામ બસ સ્ટેન્ડ નજીક, કાળીપાટ ચોકડી પાસે આવેલી મોમાઈ હોટલ નજીક તથા ગોંડલ રોડ પર મીરા પાપડ સામેથી પીકઅપ વાહનોના ટાયરો ચોરાયા અંગેની ફરિયાદો નોંધાઈ હતી.

જે.કે. કંપનીના 10 ટાયર, એપોલો કંપનીના 3 ટાયર મળ્યા
દરમિયાન આજીડેમ પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટ સોમનાથ ઈન્ડસ્ટ્રીઝના ગેઈટ આગળના ખુલ્લા પ્લોટ પાસેથી લાલજીભાઈ કરશનભાઈ મેઘાણી અને રાહુલભાઈ બાઘાભાઇ ચિરોડીયાની ધરપકડ કરી આરોપીઓ પાસેથી ચોરીના 16 નંગ ટાયર વ્હીલ પ્લેટ સાથે કબજે કર્યા છે. જેમાં જે.કે. કંપનીના 10 ટાયર, એપોલો કંપનીના 3 ટાયર અને સીએટ કંપનીના 3 ટાયર મળી આવ્યા હતા.

પોલીસે રૂ.5.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ ઉપરાંત ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર તથા વાહન ઉંચકવા માટેનો જેક મળી કુલ રૂ.5.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા 3 વર્ષ દરમિયાન રાજકોટ શહેર તથા આસપાસના હાઈવે વિસ્તારોમાંથી બોલેરો પીકઅપ વાહનોને નિશાન બનાવી ટાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓ રાત્રિના સમયે ચોરી કરવા નીકળતા અને જેક વડે વાહન ઊંચું કરી ટાયર છોડી કારમાં મૂકી ફરાર થઈ જતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *