રાજકોટના મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 20 ટનની ક્રેઈનનું વ્હીલ બાઈક ચાલક પર ફરી વળતા 39 વર્ષીય આમદ શેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ક્રેઈન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અક્સ્માતની ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ક્રેઈન ચાલક દ્વારા બાઇકને ઠોકર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી ક્રેઈન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આમદભાઈ સુમારભાઈ શેખ મંગળવારે બપોરના 12 વાગ્યા આસપાસ પોતાનું અરબનીયા સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. આ સમયે મવડી 80 ફૂટ રોડ પર પાછળથી આવતી કેઈને અચાનક સ્કૂટર સાથે આમદભાઈને અડફેટે લીધા હતા. કેઈનનું વ્હીલ આમદભાઈની માથે ફરી વળતા તેનું માથું છૂંદાઇ ગયું હતું અને ગંભીર ઇજાના કારણે લોહીલુહાણ હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. લોકોના ટોળા એકત્ર થાય એ પહેલા ક્રેઈન ચાલક ક્રેઈન મુકી નાસી છૂટ્યો હતો.
આ બનાવની જાણ 108ને કરવામાં આવતા 108ના ઈએમટીએ આમદ ભાઈને તપાસી સ્થળ ઉપર જ મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આમદભાઈ ડ્રિલિંગ મશીન રીપેરીંગનું કામ કરતા હતા અને તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ક્રેઈન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.