રાજકોટનો આશ્રમ 20 દિવસમાં બળદોથી હાઉસફૂલ, રડતા ખેડૂતોની લાઈનો લાગી

ગુજરાતમાં ઓછા વરસાદને પગલે સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે અબોલ જીવ અને ધરતીપુત્રો માટે કરુણ દૃશ્યો સર્જ્યા છે. લીલા ઘાસચારાનો 20 કિલોનો ભાવ ₹60થી સીધો ઉછળીને ₹140 થઈ જતાં પશુધનનો નિભાવ કરવો ખેડૂતો માટે અસંભવ બન્યો છે. બે બળદને સાચવવા માટે દરરોજ ₹300ના ખોરાકની જરૂર પડે છે, પરંતુ ખેતરમાં પાક નિષ્ફળ જતાં અને ઘરમાં એક રૂપિયો પણ ન બચતાં ખેડૂતો પોતાના જીવથી વ્હાલા બળદોને રડતાં-રડતાં આશ્રમમાં મૂકવા લાચાર બન્યા છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં જ 2000 જેટલા બળદો આવી પહોંચતાં આશ્રમની 20 વીઘા જગ્યા ટૂંકી પડી છે અને 10 ઓક્ટોબર સુધી નવા બળદ સ્વીકારવાનું અસ્થાયી ધોરણે સ્થગિત કરવું પડ્યું છે.

આશ્રમમાં એક વૃદ્ધ અને બીમાર ખેડૂત જ્યારે પોતાના નાના વાછરડાને મૂકવા આવ્યા ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. શારીરિક અસ્વસ્થતા અને લાચારી વચ્ચે ગળગળા સાદે તૂટતા અવાજે પોતાની વેદના ઠાલવતાં તેમણે જણાવ્યું કે, “આ વાછરડાને નાનો હતો ત્યારથી અમે ઉછેરીને મોટો કર્યો છે… મારી દીકરી પણ તેને વ્હાલથી હાંકતી અને સાચવતી હતી પરંતુ, છેલ્લા બે વર્ષથી મારી પોતાની તબિયત સારી રહેતી નથી, શરીરમાં અશક્તિ અને મગજની તકલીફના કારણે હું લાચાર બની ગયો છું. ઘરમાં નીણ-પાણીનો મેળ પડતો નથી અને મારાથી હવે એની સેવા-ચાકરી થઈ શકે તેમ નથી.” પોતાના જ હાથે સંતાનની જેમ ઉછેરેલા અબોલ જીવને દુષ્કાળ અને બીમારીના કારણે પારકા હાથમાં સોંપતી વખતે આ વૃદ્ધ ધરતીપુત્રની આંખોમાંથી ચોધાર આંસુ તમામ લોકોના કાળજાં ચીરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *