રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે જાહેર કરવામાં આવેલી મિલકતવેરા અને પાણીવેરાની વ્યાજમાફી યોજનાની મુદત 30 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. જોકે, જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર થયા બાદ સત્તાવાર ઠરાવ અને વહિવટી મંજૂરી મળવામાં વિલંબ થતાં યોજનાના અંતિમ બે દિવસ જ બાકી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બાકી કરદાતાઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે હવે વ્યાજમાફીની મુદતમાં 1 માસનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
મેયર ડો. નેહલ શુકલના નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણય અંતર્ગત બાકી મિલકતવેરામાં 5 હજાર અને પાણીવેરામાં 5 હજાર મળીને કુલ 10 હજાર વ્યાજમાફી આપવામાં આવી રહી છે. અને સમ્પ કનેક્શન ધરાવતા હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો, ફ્લેટ ધારકો, આવાસ યોજનાઓ ઉપરાંત સરકારી કચેરીઓને પણ કનેક્શન દીઠ રૂ. 5000 સુધીની વ્યાજમાફી આપવા અંગે વિચારણા અંતિમ તબક્કામાં છે. વર્ષ 2014માં તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજના સમયમાં થયેલા ઠરાવ મુજબ ફ્લેટ અને ટેનામેન્ટમાં કનેક્શનની સાઇઝ (એક ઇંચથી ચાર ઇંચ) અને યુનિટની સંખ્યાના આધારે આ વ્યાજમાફીનો લાભ આપવા હાલ વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
ગ્રેડ-પે મુદ્દે લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારીઓની હડતાલ 8મા દિવસે યથાવત
રાજ્યભરના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-3ના સર્વેયરોની ગ્રેડ-પેમાં સુધારાની માંગ સાથેની અચોક્કસ મુદતની હડતાલ આજે 8મા દિવસે પણ યથાવત રહી છે. મંડળ અને સરકાર બંને પોતાના વલણ પર અડગ હોવાથી કોકડું ગૂંચવાયું છે. મંડળના પ્રમુખ વિજય રાવલે જણાવ્યું હતું કે સેટલમેન્ટ કમિશ્નર અને એસસીએસ મહેસૂલ સાથેની બેઠકો નિષ્ફળ રહી છે અને ઠરાવ મંજૂર ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે. વર્ષ 2025માં ગ્રેડ-પે વધારાને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા છતાં અમલ ન થતાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે જમીન માપણી, રી-સર્વે, સ્વામિત્વ, ટીપ્પણ અને નકશાની નકલ સહિતની કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે, જેનાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ, રાજકોટ કલેક્ટરે હડતાલી કર્મચારીઓ સામે પગાર કપાત અને સર્વિસ બ્રેક જેવા કડક પગલાં લેવાની ચીમકી આપી છે.