રાજકોટનું રાજ્યવ્યાપી બોગસ કોલસેન્ટર કૌભાંડ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા રાજ્યવ્યાપી બોગસ કોલ સેન્ટર અને લોન કૌભાંડમાં રોજબરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કુખ્યાત અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની ગેંગ દ્વારા છેતરાયેલા વધુ 15 જેટલા ખેડૂતોએ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર સમક્ષ હાજર થઈ પોતાની આપવીતી વર્ણવી છે. “બાલાજી લોન હાઉસ” અને “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ” જેવી બોગસ પેઢીઓ ઊભી કરી આરોપીઓ ખેડૂતોને નજીવી લોન આપી તેમની કરોડોની કિંમતી જમીનો સાટાખતના બહાને પચાવી પાડતા હતા.

આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી રૂરલ એસપી દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT), એફએસએલ (FSL) અને સાયબર સેલની સંયુક્ત તપાસમાં 24 દસ્તાવેજો વેરીફાઈ થતાં આરોપીઓએ ₹40 કરોડની કિંમત ધરાવતી 128 વીઘા જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હોવાનો પર્દાફાશ થયો છે.

8 જિલ્લાના 32 ખેડૂતોના દસ્તાવેજો અને 4,800 શંકાસ્પદ નંબર જપ્ત
રાજકોટ રૂરલ પોલીસે નાનામવા નજીક આવેલા ટ્વીન સ્ટાર કોમ્પ્લેક્સમાં તેમજ 150 ફૂટ રિંગ રોડ પરની ઓફિસમાં મોડીરાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે કોલિંગ માટે વપરાતા 14 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, કમ્પ્યુટર સી.પી.યુ., વાઇ-ફાઇ રાઉટર, નવા-જૂના સિમકાર્ડ્સ અને કોલ રેકોર્ડ નોંધવાળી ડાયરીઓ કબજે કરી હતી. આ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિત 8 જિલ્લાના 32 જેટલા જમીન માલિકોના 7/12, 8-અ, હક્કપત્રક, બોજા પત્રક, ઓળખ પુરાવાઓની નકલો તેમજ જુદા જુદા ખાતેદારોના સહીવાળા કોરા ચેક જપ્ત કરાયા હતા. આ કોલ સેન્ટરના ચોપડામાંથી 4,800 જેટલા સંભવિત ખેડૂતોના મોબાઈલ નંબરની યાદી મળી આવતાં પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *