મગફળી ઉત્પાદન અને વેપાર ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રણી સ્થાન ધરાવતા રાજકોટ ખાતે ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસિએશન (IPBA)નું ભવ્ય રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દેશના 13 જેટલા અલગ-અલગ રાજ્યોમાંથી 1400થી વધુ મગફળીના વેપારીઓ, પ્રોસેસર્સ, બ્રોકર્સ, પીનટ બટર ઉત્પાદકો, ઓઇલ મિલર્સ અને એક્સપોર્ટરો એક મંચ પર એકત્ર થયા હતા. સંમેલનનો મુખ્ય હેતુ મગફળી તેમજ તેની મૂલ્યવર્ધિત પેદાશોના સંગઠિત વેપારને વેગ આપવાનો અને કૃષિ નિકાસ વધારી ડૉલર સામે ભારતીય રૂપિયાને મજબૂત કરવાનો હતો. આ મહાસંમેલનમાંથી સામે આવેલી સૌથી મહત્વની વિગત મુજબ, ચાલુ મોસમ દરમિયાન સીંગતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ખૂબ જ ઓછી જણાઈ રહી છે.
ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ શૈલેશ નથવાણીએ બજારની સ્થિતિ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે દેશના વિવિધ વિસ્તારોમાં પડેલા અનિયમિત વરસાદને કારણે મગફળીના કુલ ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળી છે. ગત વર્ષે દેશમાં મગફળીનું ઉત્પાદન અંદાજે 35થી 40 લાખ ટન નોંધાયું હતું, જેની સરખામણીએ આ વર્ષે તે ઘટીને આશરે 30 લાખ ટન આસપાસ સીમિત રહેવાની ધારણા છે. ઉત્પાદનમાં ઘટાડો અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ચાલુ વર્ષે સીંગતેલના ભાવ ઘટે તેવી શક્યતા જણાતી નથી. એસોસિએશન દ્વારા દેશભરમાં મગફળીના વેપારને સુદ્રઢ અને ઓર્ગેનાઇઝ કરવા માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
એસોસિએશનના સેક્રેટરી નીરજ અઢીયાએ જણાવ્યું હતું કે ચોમાસાના પાછલા તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ઊભા પાકને નોંધપાત્ર જીવનદાન મળ્યું છે. તેના પરિણામે ઉત્પાદનમાં 3 થી 4 લાખ ટનનો સુધારો થતાં આંકડો 28 થી 30 લાખ ટન સુધી પહોંચવાની આશા બંધાઈ છે. જોકે, આગામી દિવસોમાં દિવાળીના તહેવારો અને રજાઓની સિઝન આવતી હોવાથી નવેમ્બર મહિના સુધી મગફળી તેમજ તેલના બજારમાં કોઈ મંદી આવે તેવી શક્યતા નથી.