વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોકજી સિંહલના જન્મ શતાબ્દી વર્ષની રાજકોટના અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે સંતોની સંગોષ્ઠિ યોજાઈ હતી. જેમાં વિહિપના કેન્દ્રીય મંત્રી ગોપાલજીએ નવરાત્રીમાં હિન્દુ સિવાયના અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પાબંધીને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે, ધર્માંતરણ કરતા 35 હજાર લોકોને હિન્દુ ધર્મમાં પરત લાવ્યા અને 1 લાખ લોકોને ધર્માંતરણ કરતા રોક્યાનું જાહેર કર્યું તો લવ જેહાદનો શિકાર બનેલી 6500 દીકરીઓને પરત હિન્દુ ધર્મમાં લાવ્યાનું જાહેર કર્યું હતું.
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ સ્વ.પ્રમુખ અશોકજી જન્મ શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ગોપાલજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પોતાની મનની વાતમાં વીએચપીના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલનો ઉલ્લેખ કર્યો તે બદલ આભાર.નવરાત્રી અંગે તેમણે જણાવ્યું કે, નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ. ગરબા આયોજકોને પણ વિનંતી કરી કે અન્ય જ્ઞાતિના ખેલૈયાઓને ન આવવા દે.અન્ય જ્ઞાતિના ખેલૈયાઓ જો ગરબા આયોજનમાં આવીને કંઈ ગરબડ કરશે તો બજરંગ દળ તેમનો ચોક્કસ વિરોધ કરશે.આ ઉપરાંત વંદે માતરમના ગાન અંગે કહ્યું કે, હવે સરકારે પણ નિયમ બનાવ્યો છે દરેક લોકોએ વંદે માતરમ ગાવું જોઈએ.
‘1 લાખ લોકોને અન્ય જ્ઞાતિમાં ધર્માંતરણ કરતા રોક્યા’
તેમણે કહ્યું કે, સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં ધર્માંતરણ રોકવા માટે મોટા પ્રયાસ કરે છે. 35000 લોકોને પરત લાવ્યા પણ છીએ. 1 લાખ લોકોને અન્ય જ્ઞાતિમાં ધર્માંતરણ કરતા રોક્યા પણ છે. લવ જેહાદનો શિકાર બનેલી 6500 હિન્દુ દીકરીઓને પણ અમે પાછા લાવ્યા છીએ. જે જે લોકો ધર્માંતરિત થયા છે તેમના મનમાં ફરી હિન્દુ ભાવ જગાડી પાછા લઈ આવવાના પ્રયાસ કરી છીએ.