રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર કાર (GJ03DD0788)નો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો છે. આ ગંભીર ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.
થરાદ-ડીસા હાઈવેના માલપુર પાસે અચાનક આખલો આડે આવતા રેન્જરોવર કાર તેની સાથે અથડાઈને સીધી ડિવાઈડર સાથે ટક્કરાતા કારના નાના ટુકડા સાથે માંસના લોચા પણ રોડ પર વિખેરાયા હતાં. આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. મૃતક યુવકોમાં એક અમરેલીનો અને બીજો રાજકોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે થરાડની સિવિલમાં ખસેડાયા હતાં.
થરાદ સરકારી હોસ્પિટલના ડૉ. કૃણાલ માલોસણીયાએ માહિતી આપતાં કહ્યું કે, સવારે 4:00થી 4:15 વાગ્યાની વચ્ચે ભારતમાલા રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ 108ની ટીમ દ્વારા ત્રણ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન અમરેલીના દિવયજીત અને રાજકોટના યુવરાજસિંહને મૃત જાહેર કરાયા હતા, જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના એક યુવક જીવિત મળી આવતાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાવામાં આવ્યો હતો.