રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઈટની પાછળના ભાગેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પ્રદ્યુમનનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર ઇજાના નિશાન મળી આવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક શંકાના આધારે 3 શકમંદોને ઉઠાવી પુછપરછ કરતા આરોપીની બહેનનો હાથ પકડતા જોઈ છેડતીની શંકાએ મિત્રો સાથે મળી હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
બાંધકામ સાઈટ પર યુવકનો મૃતદેહ મળ્યો
રાજકોટના સાધુવાસવાણી કુંજ રોડ પર આજે એક બાંધકામ સાઈટના પાછળના ભાગમાંથી શંકાસ્પદ હાલતમાં એક શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ ઓડિશાનો યુવાન 34 વર્ષીય દુખી શ્યામ રોજીરોટી મેળવવા અર્થે રાજકોટ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ગળું દબાવી હત્યા કરી અકસ્માતમાં ખપાવવાનો પ્લાન
બીજી તરફ બનાવ અંગે જાણ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું અને ગુનાનો ભેદ ઉકેલવા 3 જેટલા શકમંદોની પુછપરછ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં એમપીના શ્રમિક અજિતની બહેનનો મૃતક દુખીએ હાથ પકડ્યો હતો. છેડતીની શંકાએ અજિતએ પોતાના બે મિત્રો સાથે મળી આજરોજ સવારના સમયે મૃતક યુવાન દુખીને બાંધકામ સાઈટ પર ઉપરના માળે લઇ જઈ ગળું દબાવી માર મારી હત્યા કરી હતી.
ત્યારબાદ યુવકની લાશને ફેંકી દઈ બનાવને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, આખરે પોલીસની આકરી પુછતાછના અંતે આરોપીઓએ હત્યા અંગે કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.